ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. ગુજરાતમાં ઇસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો છે. આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રીનો સીએમ કેન્ડિડેટની જાહેરાત કરતા નથી. અમે ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવા જઇ રહ્યા છીએ. જનતાએ વોટિંગ કરી છે. 16500થી વધારે રિસપોન્સ આવ્યા છે. જેમાંથી 73 ટકા લોકોએ ઇસુદાન ગઢવીનું નામ લીધુ છે.

જણાવી દઇએ કે, એક સમયે ઇશુદાન ગઢવી એક ખાનગી ચેનલ પર ખેડૂતો અને સામાન્ય લોકોની સમસ્યાઓને જોર-શોરથી ઉઠાવીને સરકારની ઝાટકણી કાઢતા હતા.

ગુજરાતી મીડિયામાં ઘણી ઓછી સંસ્થાઓ છે, જેઓ સામાન્ય લોકોની સમસ્યાઓને ઉઠાવે છે, તેવા સમયે ઇશુદાન ગઢવીએ પોતાના શોમાં સામાન્ય વ્યક્તિ અને તેની સમસ્યાઓનો સમાવેશ કર્યો હતો. આ દરમિયાન તેઓ ખાસા લોકપ્રિય બન્યા હતા. તેમને સામાન્ય લોકોની સમસ્યાઓને વાંચા આપીને સરકાર સુધી પહોંચાડી હતી.

ગોપાલ ઇટાલિયાએ ઇસુદાન ગઢવીને શુભકામના પાઠવી

ગોપાલ ઇટાલિયાએ કહ્યુ કે, ઇસુદાન ભાઇએ સારામાં સારી જીંદગી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અમારા બધા કરતા જે પ્રદેશની ટીમ છે તેમાં સૌથી વધુ મહેનત ઇસુદાન ભાઇએ કરી છે. છેલ્લા દોઢ વર્ષથી ઇસુદાન ભાઇની સાથે રહીને મે તેમની પાસેથી એમ સાંભળ્યુ નથી કે મારો મૂડ ખરાબ છે. ત્યાગ કરીને આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી મહેનત કરી છે, સંઘર્ષ કર્યો છે. સાબરમતી જેલમાં અમે ગયા ત્યારે પ્રોત્સાહન ઇસુદાન ભાઇએ આપ્યુ હતુ. ઇસુદાન જે રીતે ગુજરાતમાં સંઘર્ષ કરી રહ્યા છે, જનતા માટે અવાજ ઉઠાવી રહ્યા છે અને આજે ગુજરાતની જનતાએ પસંદ કરી ગુજરાતનું નેતૃત્વ કરવાની તક આપી છે.