ક્રોસ વાઈરલ ઇન્ફેક્શન ફેલાયું:સ્કૂલો શરૂ થતાં બાળકોમાં ખતરો, કોવિડ કોર કમિટીના સભ્ય ડો. પાર્થિવ મહેતાની ચેતવણી
posted on at
રાજ્ય સરકાર સ્કૂલો શરૂ કરવાની હિલચાલ કરી રહી છે, ત્યારે એ જાણવું જરૂરી છે કે હાલની ડબલ સિઝનમાં ઘેર ઘેર શરદી-ખાંસીના કેસ વધી રહ્યા છે. સ્કૂલે જતાં બાળકો આ વાઈરલ ઇન્ફેક્શનના કેરિયર બનીને પરિવારમાં ફેલાવી શકે તેવો ખતરો છે. જેથી ખાસ કરીને સ્કૂલે જતાં બાળકોના પરિવારની મહિલાઓ અને વિવિધ રોગથી પીડાતા વૃદ્ધોને વિશેષ તકેદારીની જરૂર હોવાનું ડોક્ટર જણાવી રહ્યાં છે.
રાજ્યની કોવિડ કોર કમિટીના ડો.પાર્થિવ મહેતા જણાવે છે કે, હાલમાં સ્કૂલ શરૂ કરવા તૈયારી ચાલી રહી છે. ભેજવાળું વાતાવરણ, તડકાનો અભાવ અને 25-35 ડિગ્રી તાપમાનમાં કોઇપણ વાઈરસ, બેક્ટેરિયા અને ફૂગની વૃદ્ધિનું સાનુકૂળ વાતાવરણ સર્જાય છે. આ સ્થિતિમાં ઘરમાં જે કોમન વાઈરસ હોય તે બાળક સ્કૂલે લઈને જાય અને તે અન્ય સાથી બાળકો સાથે રમે, અડે, છીંકે જેને લીધે વાઈરસ એકથી બીજામાં ટ્રાન્સફર થવાનું જોખમ વધે છે.
બાળક જ્યારે ઘરે પહોંચે, ત્યારે ઘરના વૃદ્ધો, સગર્ભા મહિલા કે રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા સભ્યો ઝડપથી સંક્રમિત થાય છે. જેથી જ્યારે પણ દિવાળી-ઉનાળુ વેકેશન કે 10-15 દિવસની રજાઓ બાદ સ્કૂલો ખૂલે, ત્યારબાદ પીડિયાટ્રિશિયન પાસે શરદી-ખાંસી જેવા વાઈરસ ઇન્ફેકશનના કેસમાં વધારો થાય છે. જેમાં સ્કૂલના શિક્ષકો, સ્ટાફ, સ્કૂલ બસ ડ્રાઈવરો અને પરિજનો પણ સંક્રમિત થાય છે. હાલના સંજોગોમાં પૂરતી તકેદારી અને સાવધાની જ ઈન્ફેક્શનના ખતરા સામે રક્ષણ આપી શકે છે.
બાળકો આ રીતે કેરિયર બને છે
બાળકોના શરીરમાં અમુક પ્રકારના રિસેપ્ટાર પૂરેપૂરા વિકસિત થયા હોતા નથી. કોઇપણ વાઈરસ કોમન કોલ્ડ, શરદી-ખાંસી, ઇન્ફ્લુએન્ઝા, સ્વાઇન ફલુ કે કોવિડનો વાઈરસ હોય. આ બધા વાયરસ સંપર્ક કે એર ડ્રોપ્લેટથી ફેલાય છે. સ્કૂલમાં જતાં બાળક એકબીજાને મળે, જેથી ઘરેથી લાવેલો વાઈરસ અન્ય બાળકથી લઇને શિક્ષકોમાં ફેલાવી કોમન કેરિયર બની શકે છે. ડેલ્ટા, કાપા કે અન્ય કોઇ વેરિયન્ટ હોય તે સ્કૂલના બાળકોથી કોઇને કોઇ રીતે ઘરના વૃદ્ધોમાં ફેલાઇ શકે છે.
બાળકોને પણ કોરોનાના ચેપનું જોખમ
બાળકોમાં કોવિડ નોંધાય ત્યારે જોવાનું એ રહેશે કે, બાળકોમાં કેવા પ્રકારના કોવિડના લક્ષણો જોવા મળે છે. શરદીના વાઈરસની સાથે કોવિડનો વાઈરસ પણ આવતા કોવિડ ટેસ્ટિંગમાં કોરોના પોઝિટિવ આવી શકે છે. કોવિડના બાળકોમાં ગેસ્ટ્રોએન્ટ્રાઇટિસના સૌથી વધુ ચિહનો દેખાય છે. કારણ કે, બાળકો નાકમાં રહેલી લીટ કે ગળફા ગળી જાય છે જ્યારે પુખ્ત લોકો કાઢી નાખે છે. બાળકોના પેટના એસિડનું પ્રમાણ એટલું સ્ટ્રોંગ હોતું નથી કે તેને મારી શકે. જો બાળકમાં ગેસ્ટ્રોએન્ટ્રાઇટીસની સાથે કોવિડ પોઝિટિવ જણાય તો કોરોના પેશન્ટ ગણીને તેની સારવારનું ધ્યાન રાખવું જોઇએ.
વાઈરલ ઇન્ફેકશન વધવાનું કારણ
ડબલ સિઝનમાં લોકો મોટેભાગે ઠંડુ પાણી પીવાની સાથે એસી અને કુલરમાં રહેવાનું પ્રમાણ વધ્યું છે. સાથો સાથ અનલોક થયા બાદ લોકો બેફામ ફરે છે અને આઇસક્રીમ અને ઠંડા પીણાનો છૂટથી ઉપયોગ કરી રહ્યાં છે. જેને કારણે શરદી-ખાંસી, તાવ,માથાનો દુખાવો અને સુકી ખાંસી જેવા લક્ષણો જોવા મળે છે.
No comments:
Post a Comment