શિક્ષકની સૂઝબૂઝ:જૂની બાઇકમાંથી બનાવી ઇલેક્ટ્રિક બાઇક, ભાવનગરના શિક્ષકે કરી કમાલ, હવે ઇ-બાઇકમાં જીપીએસ સિસ્ટમ પણ મૂકશે
posted on at
દેશભરમાં પેટ્રોલના ભાવ ભડકે બળી રહ્યા છે. જે પ્રકારે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે એ સામાન્ય વ્યક્તિને પરવડે એવો નથી. સરકાર પણ પ્રદૂષણ અટકાવવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપી રહી છે અને સબસિડી આપે છે. ત્યારે ભાવનગરના એક શિક્ષકે પોતાની સૂઝબૂઝથી એક જૂની બાઈકને મોડિફાઈડ કરીને ઇલેક્ટ્રિક બાઈક બનાવી છે તેમજ આવનારા દિવસોમાં આ શિક્ષક બાઈકમાં જીપીએસ સિસ્ટમ પણ મૂકવાના છે.
આર્થિક સંકડામણ વધતાં આ વિચાર આવ્યો
ભાવનગરમાં રિંગ રોડ પાસે બરસાના સોસાયટીમાં રહેતા હિમાંશુ વ્યાસ ક્રાઇસ્ટ શાળામાં ફરજ બજાવે છે. શાળા દ્વારા પણ તેમની આ આવડતને બિરદાવી હતી. કોરોનાકાળમાં અન્ય મધ્યમવર્ગની જેમ તેમની પણ સ્થિતિ કફોડી થઇ હતી. સાત વર્ષ પહેલાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા હિમાંશુભાઈના પરિવારમાં માતા, પત્ની અને બહેન છે. કોરોનાકાળમાં પગાર અડધો થઇ ગયો અને એને કારણે આર્થિક સકડામણ ઊભી થઇ. પેટ્રોલના વધતા ભાવવધારાએ બજેટ ખોરવી નાખ્યું, જેથી તેમને ઇલેક્ટ્રિક બાઈક બનાવવાનો વિચાર આવ્યો.
રસના ક્ષેત્રમાં રોજગારી શોધી
શિક્ષક યુવક હિમાંશુભાઈએ આર્થિક સંકડામણમાં પોતાની રુચિના ક્ષેત્રમાં રોજગારી શોધીને આગળ વધી સફળતા મેળવી છે. E-BIKE બનાવ્યા બાદ હવે હિમાંશુભાઈ આગામી દિવસોમાં તેમના મત મુજબ GPS વગર વાહન ક્યાંય પણ હોય એનું LOCATION કેમ જાણી શકાય એના માટે મહેનત કરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ પેટ્રોલના વધતા ભાવવધારામાં મધ્યમવર્ગને આર્થિક ભારણ ઓછું કરવાનો છે.
પિતાની બાઇકને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરી
ઇલેક્ટ્રિક બાઇક બનાવવાનો વિચાર મનમાં આવ્યો હતો. હિમાંશુભાઈએ પોતાના પિતાની પડતર બાઈકને ઇલેક્ટ્રિક બાઇક બનાવવાનું શરૂ કર્યું અને એમાં તેમને સફળતા પણ મળી. હવે તેમણે લિથિયમ આઇઓએન (Lithium – ion) બેટરી દ્વારા બાઇક – કાર બનાવવાનો પણ પ્રારંભ કર્યો છે. જોકે હાલમાં હિમાંશુભાઈએ e- Bike બનાવી છે. 100 રૂપિયા પેટ્રોલના ભાવ સામે ઇલેક્ટ્રિક બાઇક ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. બેટરી ચાર્જ કર્યા બાદ 150 km આરામથી બાઇક ચાલે છે. જૂની કોઈપણ બાઇકમાં આશરે 25થી 30 હજાર જેવો ખર્ચ કરવાથી e- Bikeમાં તબદિલ થઈ જાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેં જે બાઈક બનાવી એમાં લિથિયમ બેટરી વાપરી છે, જેમાં 3થી 4 કલાકમાં જ ચાર્જિંગ થઈ જાય છે, જ્યારે લેડ એસિડ બેટરીને સાતથી આઠ કલાક લાગે છે એટલે એને આખી રાત ચાર્જિંગમાં મૂકવી પડે છે. લિથિયમ બેટરીનું આયુષ્ય વધારે છે, એમાં 5થી 7 વર્ષ સુધી કોઈપણ જાતનો વાંધો આવતો નથી, જ્યારે લેક એસિડ બેટરી જો 1થી 2 મહિના સમયગાળામાં તમે બાઈક ચલાવો નહીં તો બંધ થઈ જાય છે. આ લિથિયમ બેટરી 6 મહિના સુધી પણ પડી રહે તો કોઈ જાતનો વાંધો આવતો નથી.
No comments:
Post a Comment