Search This Website

Tuesday, 7 October 2014

૨૦૧૧ પહેલાના વિદ્યાસહાયકોને કાયમી કરવાની સરકારની કવાયત

૨૦૧૧ પહેલાના વિદ્યાસહાયકોને કાયમી કરવાની સરકારની કવાયત
રાજ્યના શિક્ષણ વિભાગે ૨૦૧૧ પહેલાના વિદ્યાસહાયકોને કાયમી કરવાની કવાયત અત્યારથી જ શરૂ કરી છે. શિક્ષણ વિભાગે તમામ જિલ્લામાંથી આવા વિદ્યાસહાયકોની વિગતો મંગાવી છે અને બે વર્ષ પછી કેટલા વિદ્યાસહાયકોને નિયમિત કરવાના બાકી રહે છે તે અંગેની વિગતો પણ મંગાવી હોવાનું જાણવા મળે છે. નિવૃત્ત થનારા શિક્ષકોની સામે વિદ્યાસહાયકોને નિયમિત નિમણૂક આપવામાં આવનાર છે. નિયમિત નિમણૂકથી સરકારી તિજોરી પર કેટલો વધારાનો બોજો પડશે તેની માહિતી પણ શિક્ષણ વિભાગ એકત્ર કરી રહ્યું છે. આમ વિદ્યાસહાયકોને કાયમી કરવાની હિલચાલના પગલે વિદ્યાસહાયકોમાં ખુશીની લાગણી ફેલાવા પામી છે.
(હરિસિંહ જાડેજા)
શિક્ષણ વિભાગ દ્વારા ૨૭-૪-૨૦૧૧ પહેલા ફિક્સ પગારથી નિમણૂક પામેલા વિદ્યાસહાયકોને કાયમી કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ વિદ્યાસહાયકોને બે વર્ષ પછી કાયમી કરવામાં આવનાર છે પરંતુ તે માટેની કામગીરી અત્યારથી જ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરી દેવાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા રાજ્યના તમામ ડીપીઈઓ તથા શાસનાધિકારી પાસેથી તેમના જિલ્લાની વિગતો મંગાવી હોવાનું જાણવા મળે છે.
શિક્ષણ વિભાગ દ્વારા મંગાવવામાં આવેલી વિગતોમાં જિલ્લામાં ૨૭-૪-૨૦૧૧ પહેલા નિમણૂક પામેલા કેટલા વિદ્યાસહાયકોને બે વર્ષ પછી નિયમિત કરવાના છે તેની વિગતો મંગાવાઈ છે. આ ઉપરાંત વિદ્યાસહાયકોને નિવૃત્ત થનારા શિક્ષકોની સામે નિયમિત નિમણૂક આપવાની હોઈ આવી વર્ષવાર કેટલી જગ્યાઓ ઉપલબ્ધ થાય તેમ છે તે અંગે પણ વિગતો આપવા માટે સૂચના અપાઈ છે. વિદ્યાસહાયકોને બે વર્ષ પૂર્ણ થયા બાદ નિયમિત કરવામાં આવે તો કેટલો નાણાકીય બોજો પડે તે અંગેની માહિતી પણ માંગવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા અગાઉ તમામ જિલ્લાઓમાં આ અંગેનો પત્ર લખી વિગતો મંગાવી હતી પરંતુ કચેરીમાં કોઈએ માહિતી આપવાની તસ્દી જ લીધી ન હતી. જેના પગલે ફરીથી આ અંગેનો પત્ર લખી તાત્કાલીક ઈ-મેઈલ દ્વારા વિગતો મોકલી આપવા માટે આદેશ કર્યો છે. જો કોઈ જિલ્લામાં ૨૦૧૧ પહેલાના એક પણ વિદ્યાસહાયકને કાયમી નિમણૂક કરવાની બાકી ન હોય તો પણ તેમણે પોતાના અહેવાલમાં શૂન્ય લખીને પણ શિક્ષણ વિભાગને મોકલવાનો રહેશે. જો વિગતો મોકલવામાં મોડું કરાશે તો કાયદેસરની કાર્યવાહીની ચિમકી પણ આપવામાં આવી હોઈ હાલમાં તમામ જિલ્લાઓમાં આ અંગેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સરકાર દ્વારા વિદ્યસહાયકોને કાયમી કરવાની કવાયત શરૂ કરતા વિદ્યાસહાયકોમાં ખુશીની લાગણી ફેલાવા પામી છે.

No comments:

Post a Comment