સોનું ઉછળી રૂ.49000 જ્યારે ચાંદી રૂ.65000 બોલાઈ
- કરન્સીમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરમાં ઝડપી ઘટાડો
- ક્રૂડતેલમાં બેતરફી વધઘટ: અમેરિકામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં પીછેહટ વચ્ચે ડોલર ઘટયો

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલીયન બજાર બેન્ક હોલીડેના પગલે સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે વિશ્વ બજાર પાછળ સોના-ચાંદીના ભાવ ઉછળતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઝડપી તેજી બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ઈન્જેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની ખરીદી વધ્યાના નિર્દેશો હતા.
વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે કિંમતી ધતાુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગઈ છે. તથા તેના પગલે ઝવેરી બજારમાં આજે નવી વેચવાલી ધીમી પડતાં ભાવ ઉછળતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૭૬૨થી ૧૭૬૩ ડોલરવાળા ઉછળી ૧૭૭૮થી ૧૭૭૯ ડોલર બોલાયાના નિર્દેશો હતા.
સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૨૩.૨૮થી ૨૩.૨૯ ડોલરવાળા ઉછળી આજે ૨૩.૯૮થી ૨૩.૯૯ ડોલર બોલાયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઉછળી રૂ.૬૫ હજારને આંબી ગયા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૪૯૦૦૦તથા ૯૯.૯૦ના રૂ.૪૯૨૦૦ બોલાતા થયા હતા.
દરમિયાન મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૭૪.૩૪થી ૭૪.૩૫ વાળા જોકે ગબડી રૂ.૭૪.૧૦થી ૭૪.૧૫ આસપાસ બોલાતા થયાનું કરન્સી બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં ડોલરનોે ઈન્ડેક્સ ઘટતાં તેની પાછળ ઘરઆંગણે આજે કરન્સીમાં બંધ બજારે ડોલર ગબડતાં રૂપિયો ફરી ઉંચકાયો હતો.
દરમિયાન વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચેથી ઘટયા પછી સાંજે ફરી પોણોથી એક ટકો વધ્યાના સમાચાર હતા. ન્યુયોર્ક ક્રૂડના ભાવ બેરલના ૮૩.૧૫થી ૮૩.૨૦ ડોલર બોલાઈ રહ્યા હતા જ્યારે બ્રેન્ટક્રૂડના ભાવ ૮૪.૯૦થી ૮૪.૯૫ ડોલર રહ્યા હતા. બ્રેન્ટના ભાવ તાજેતરમાં ૮૬ ડોલર ઉપર ગયા પછી ઘટી નીચામાં ૮૪ ડોલર નજીક ઉતરી ગયા પછી ફરી ઉંચકાયા હતા. રશિયાએ યુરોપ તરફ ક્રૂડતેલનો પુરવઠો અપક્ષાથી ઓછો આવ્યાની ચર્ચા વિશ્વ બજારમાં આજે સંભળાઈ હતી.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૧૦૪૬થી ૧૦૪૭ ડોલરથી વધી ૧૦૫૧થી ૧૦૫૨ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૨૦૧૦થી ૨૦૧૧ ડો લરવાળા વધી ૨૦૯૦થી ૨૦૯૧ ડોલર બોલાયાના સમાચાર હતા. વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે આંચકા પચાવી ફરી ઉછળી ૧.૦૫ ટકા ઉછળતાં તેની અસર પણ ચાંદીના ભાવ પર પોઝીટીવ દેખાઈ હતી.
અમેરિકામાં ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા નબળા આવતા વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેકસ ઘટયાના નિર્દેશો હતા. અમેરિકામાં ક્રૂડનું ઉત્પાદન વધી રહ્યાના વાવડ પણ મળ્યા હતા. આ જોતાં વિશ્વ બજારમાં ક્રૂડમાં તેજીમાં રૂકાવટ આવવાની શક્યતા જાણકારોમાં ચર્ચાઈ રહી હતી,
મુંબઈ ઝવેરી બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૪૭૧૯૪ વાળા રૂ.૪૭૩૭૫ બોલાઈ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૭૩૮૪ વાળા રૂ.૪૭૫૭૫ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૬૩૧૧૦ વાળા રૂ.૬૩૭૫૦ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.


No comments:
Post a Comment